Pages

ભીડની રાજનીતિ અને રાજનીતિમાં ભીડ




અમેરિકાના પ્રમુખના ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સામ્યતા થું ? જવાબ છે ભીડ.જેને મદ ચડાવી શકાય એવી મેદની. હમણાં થોડા વખત પહેલા એક રાજકીય અગ્રણી સાથે એક નાનકડી મિજબાનીમાં બેઠો હતો.સ્વાભાવિક રીતે જ ચર્ચા પોલિટીકસ પર હતી.એ મિત્રે જાહેર કર્યું કે સામેવાળી પાર્ટીના મોટા નેતાની રેલીમાં માણસો અમારા હોય છે. આ છે ભીડનું સત્ય.આ વાતની સાથે જ મને " ધ ઇલુઝન " નામની ફિલ્મ અને સૌમ્ય જોશીનું નાટક " દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસતું હતું " સાંભર્યા.ચૂંટણી મેજિક શો જેવી હોય છે. જે વધુ મેદનીને ડોલાવી શકે , જે ભીડ ને સતત ભ્રમમાં રાખી શકે તેની જીત પાક્કી. મેં એ રાજકીય અગ્રણી સાથે વાત આગળ ચલાવી. મેં પૂછ્યું કે તમને પોતાને તમારા પોતાના પક્ષની સભાઓમાં લોકો ભેગા નાકે દમ આવે છે તો શું કામ સામેવાળાને ત્યાં તમારા પૈસે લોકો મોકલો છો ? જવાબ મને ખબર હતી; ભ્રમણા. સામેવાળો પક્ષ કે નેતા જે માને છે છે તે જ તેને માનતો રાખવો એ ખરો ખેલ છે. " ધ ઇલુઝન " ફિલ્મની સહુથી મોટી મજા એ છે કે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી શું જાદુ રંધાઈ ગયું એની ગંધ પણ આવતી નથી. એમ જ ચૂંટણીના ચક્રવ્યુહમાં કોણ ક્યારે શું ચાલ ચાલે છે એ જલ્દી સમજી શકાતું નથી , મોટે ભાગે તો ચાલ પૂરી થયા બાદ જ ખબર પડે છે ચાલ શું હતી. 

પોલીટીક્સમાં ભીડ સામેવાળાને અંધારામાં રાખવાનો કારસો પણ છે અને ચિંતામાં મૂકી દેવાની ચાવી પણ. ભીડ ભય પ્રેરક હોય છે. ભીડની સંખ્યા ઇલેકશનમાં ખુલ્લી મુકાયેલી નાણા કોથળી ઉપર પણ આધાર રાખે છે. અમેરિકાના વર્તમાન પ્રમુખ ઓબામાંની ચૂંટણી સભાઓમાં લોકોની ઓછી હાજરી અને આપણા સૌરાષ્ટ્રમાં સોનિયા ગાંધીની સભામાં ઉમટેલી માનવ મેદની બંને રાજનીતિમાં પાર્ટ ઓફ ધ પ્લાન હોય છે. ઓબામાએ કોઈપણ આધુનિક પ્રમુખ કરતા વધુ એવી 200 જેટલી નાની કે મધ્યમ કદની ફંડ રેઇઝિંગ ઇવેન્ટ કરી છે અને તેમની ઈલેક્શન ટીમ ભીડની નક્કી કરેલી ( ઓછી )સંખ્યા જાળવી રાખવા માટે આકરું કામ કરી રહી છે. રાજનીતિના વિવેચકો ઓબામાની આ નીતિને અનોર્થોડોકસ ગણાવે છે જોકે અમરીકી પ્રમુખની ઈલેક્શન ટીમ પોતાની વ્યૂહરચના બાબતે સભાન અને સાવચેત છે. નાના નાના સમૂહો દ્વારા મોટી સંખ્યા સુધી પહોંચવાની આ નીતિ ગુજરાતમાં પણ અમલી છે. સદભાવના મિશનના મોટા કાર્યક્રમો બાદ નરેન્દ્ર મોદીએ વિવેકાનંદ યાત્રા દ્વારા આ જ રસ્તો અપનાવ્યો છે અને નાના તેમજ મધ્યમ શહેરોને ટાર્ગેટ બનાવ્યા છે। 

ભીડ વિશે આ લખાઈ  રહ્યું છે ત્યારે ચેનલમાં અને અખબારોમાં એમપી રાદડિયાનો "તાકી દઈશ" કાંડ ચર્ચામાં છે. શું આ તાકી દઈશ કાંડને ભીડ સાથે કઈ લેવા દેવા ખરા? તમને અતિરેક લાગે તો પણ મને એવું બેશક લાગે છે કે રાદડીયાનો "તાકી દઈશ " કાંડ રાજકોટમાં સોનિયાની જાહેર સભામાં ઉમટેલી ભીડની " આફટર ઇફેક્ટ " છે. કોંગ્રેસના ધ્યાનમાં ભલે આ ન આવ્યું હોય ( આવ્યું હોય તો પણ કહે કોને ?) પણ સોનિયા ગાંધીની સભામાં ઉમટેલી મેદની અને તે અફાટ મેદની છતાં શાલીન પ્રચારની વાતોથી ભાજપએ સમસમી જવું પડ્યું હતું તે દેખીતું છે. હવે આ ભીડ ભેગી કરનારની કારીગરીને પેલા ટોલ ટેકસ કલેકટરે કન્સીડર ના કર્યો અને 80 રૂપિયાનો મામલો ફટાકડી કાઢવા લગી પહોંચી ગયો. ફટાકડી કાઢી તે વેળાએ રાદડિયાના મગજમાં ભીડ રમતી હોય એમ શક્ય છે અથવા તો ભાજપના મગજમાં એ ભીડનો ભય પેઠો હોય અને તેમણે ચોકઠું ગોઠવી ખેલ પાડી દીધો હોય એ પણ શક્ય છે. મામલો હવે ન્યાયિક બનતા સત હશે તે બહાર આવશે પણ રાજનીતિમાં ભીડના સર્જકોને પણ ભારે ભીડ પડતી હોય છે તે સબબ આને નમુના દાખલ ગણી શકાય. જેના નામે ભીડ ભેગી કરી શકાય એ નેતા મોટો એવી સમજ રાજનીતિમાં હોય છે પણ બધી મેદની કઈ મતમાં પરિવર્તિત થતી નથી. ભાજપાનાં દિગ્ગજ નેતા મોદી ભીડને ડોલાવવામાં અત્યારના કોઈપણ નેતા કરતા વધુ માહેર ગણાય છે પરંતુ મેદનીના મદનો કડવો સ્વાદ તેમણે પણ પાછલી લોકસભાની ચૂંટણીમાં ચાખેલો છે, " જ્યાં જ્યાં ગયા મોદી ત્યાં ત્યાં સીટ ઓછી પડી"નો વસવસો ભાજપને હજુ પણ સાલતો તો હશે જ. એ જ સ્વાદ કાબેલ બટ કન્ફયુઝ બોય રાહુલ ગાંધીએ પણ ચાખ્યો છે। 

ભીડની રાજનીતિની ભારતમાં નવાઈ નથી પરંતુ છેલ્લી સમજણના દાખલાઓ આશાઓના પાળીયા બની ખોડાયેલા માલુમ પડે છે। ભલભલા કીમિયાગરોની નજરબંધીએ પ્રજા સામે નાકલીટી તાણી હોય ત્યારે પાંચ-પચ્ચીસ લાખની ભીડ નહિ પરંતુ 5 વર્ષમાં "કરવા જેવું કેટલું કર્યું ?" અને "ના કરવા જેવું કર્યું ? " એ અથવા તો " "કેટલું થવા જેવું થવા દીધું ? " અને " ખોટા સામે ઉન્નત શિરે કેટલું ઝઝૂમ્યા? " એ જ કામ લાગવાનું છે. રાજ્ય કે દેશને રાજાશાહીને પણ સારી કહેવડાવે એ હદે નેતૃત્વની ભીડ પડી છે એ ભાવ ક્યાં નવો છે ? આ નવી સરકારમાં પ્રજાની આ ભીડ ભાંગે અને ટોળાને ધોરણે રાજ કરતા સહુ ચમરબંધીઓ  ભીડનો હિસ્સો બનીને રહી જાય એટેલે ભયો ભયો.

- મેહુલ મકવાણા