Pages

એક મોત પર લાળ, ઝાળ અને ગાળ સંસ્કૃતિનું શીઘ્ર મૈથુન



મરાઠી માનુસમાં " ભયભીત આદર" અને તે પછી બહુમતી હિન્દુમાં "હૃદય સમ્રાટ " બનેલા બાળ ઠાકરેનું શારીરિક મોત ફરી એક વાર એના એજ પ્રશ્નો પર આવીને અટકે છે. ફરી એક વાર કહેવાતી મહાન ભારતીય સંસ્કૃતિ લાળ, ઝાળ અને ગાળના શીધ્ર મૈથુનમાં વ્યસ્ત છે. લતપત અખબારો, અસીમ માનવ મહેરામણ, દિગ્ગજ ગણાતા નેતાઓ અને અભિનેતાઓની અંજલિઓ, તેમના મોતને સામાન્ય ગણાવનાર બે વ્યક્તિની ધરપકડ, ફેસબુકની દીવાલે ચિતરામણ, ભૂતકાળ યાદ કરાવતા લોકોને ગાળો અને મોતના મલાજાની શિખામણનો જબ્બર માહોલ છે આતો.. સ્મશાનયાત્રાની ટ્રેડમાર્ક લાઈન "રામ બોલો ભાઈ રામ" ને બદલે મારી જેવા " કૃષ્ણ બોલો ભાઈ શ્રીકૃષ્ણ ( કમીશન ) " બોલે તે કોને ગમે ? 

બાળ ઠાકરેના કેસમાં ભગવદ ગીતાનો આત્માને અગ્નિ બાળી શકતો નથી એ શ્લોક એકદમ ફીટ બેસે છે કેમકે શરીરના મોત બાદ પણ પ્રજાના મનનો ભય ઘટતો નથી. બાળ ઠાકરેનું જીવન ભયભીત આદર કેવી રીતે ઉભો કરી શકાય અને જાળવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ છે અને સામે પક્ષે મૃત્યુ બાદ અપાયેલી અંજલિઓ આપણી લાળ-ઝાળ વૃત્તિનું પણ ઉત્તમ ઉદાહરણ છે. ભયનું શાસન અને લાળ સંસ્કૃતિ કાયમ એકમેકના પુરક હોય છે. બાળ ઠાકરેની અંતિમવિધિમાં ઉમટેલી રેકોર્ડ માનવમેદનીમાં જેમના હિતો ( ધંધાકીય કે ધાર્મિક) સચવાયા હોય એવા લોકો કરતા " હઈસો હઈસો " માં આપણે રહી ન જઈએ તેવા લોકોની સંખ્યા ઘણી મોટી ગણી શકાય. ત્રણ પ્રકારના અવાજો હાલ સંભળાઈ રહ્યા છે .પહેલો અવાજ એ બહુ મોટો છે. સરેરાશ હિંદુ હિતરક્ષક અને મહાન નેતા તરીકે ચીતરવા મથતો બાળ ઠાકરેના ચાહકોનો અવાજ. બીજો અવાજ એ કેટેગરીનો છે કે જેને સેક્યુલર કહીને ઉતારી પાડવામાં આવે છે.  આ અવાજ સતત સંભળાય છે પણ એ સક્ષમ નથી. ત્રીજો અવાજ એવા લોકોનો છે કે જે ક્યારેય એક પણ પક્ષે નથી પણ ઘટના બનતા જ ઝંડો લઈને નીકળી પડ્યા છે. એવા લોકોનો અવાજ કે જેમને તમે કયારેય જાહેરજીવનમાં જરૂરી એવા સમયે બોલતા કે સ્પષ્ટ મત વ્યક્ત કરતા સાંભળ્યા નથી. કોમવાદ કે જાતિવાદ કે ભાષાવાદ એવું કશું સમજ્યા વગર એમને અરવિંદ કેજરીવાલની જેમ તાત્કાલિક ગાંધી થઇ જવું છે. આ ત્રણે પ્રકારના લોકો જે માને છે કે સમજે છે તે બોલે છે પણ મુખ્ય વાત એ લોકોની છે જે આ ત્રણે પ્રકારથી પર છે. એ લોકો એવા લોકો છે કે ઠાકરેના મર્યા પહેલા પણ ચૂપ હતા અને તેમના માર્યા બાદ પણ ચૂપ જ છે. સરેરાશ પ્રજાની ચૂપકીદી એ આપની લાળ, ઝાળ અને ગાળ સંસ્કૃતિના સતત ચાલતા મૈથુનની પૈદાઇશ છે. જ્યાં સુધી આ મૌન જીવિત છે ત્યાં સુધી બાળ ઠાકરે પણ જીવિત છે, તાનાશાહી પણ જીવિત છે. 

- મેહુલ મકવાણા 

0 comments:

Post a Comment